હા, તમે બોલ્યાં’તાં ભીના સાદમાં
આપણે બંને હતાં વરસાદમાં
શબ્દોમાથી શીળી ખુશ્બૂ આવતી,
કેટલી ભીનપ હતી સંવાદમાં !
આખી સૃષ્ટિ સાવ ભિંજાતી હતી,
કેમ રહીએ આપણે અપવાદમાં !
દોડતો ને બોલતો ભીનો પવન,
આપણે પણ સાવ એવા નાદમાં!
પીઠ પર ઝાપટ ભીની પડતી રહી,
ભીની શાબાશી મળી’તી દાદમાં!
ભીની ભોંયે આપણાં પગલાં હતાં,
રહી જવાનાં ચિહ્ન ભીની યાદમાં.
આજ ભીના પંથ પર ચાલ્યા જવું,
વાયદો કરશો નહીં કે, ‘બાદમાં!’
રતિલાલ ‘અનિલ’
મૂળ નામ : રતિલાલ મૂળચંદભાઈ રૂપાવાળા
ઉપનામ – અનિલ, સંદીપની, ટચાક, કલ્કિ
કાવ્યસંગ્રહો : ‘ડમરો અને તુલસી’ (1955), ‘મસ્તીની પળોમાં’ (1956)