હટશે દુ:ખોનું લશ્કર, બસ થોડી વાર છે,
જગ લાગશે આ સુંદર, બસ થોડી વાર છે.
આજે નજર ને સુધ્ધાં જે ના મિલાવતા,
એ બોલશે બરાબર, બસ થોડી વાર છે.
દ્રષ્ટિ જુદી છે એની. ઘડિયાળ છે જુદી,
આપે બધુ સમયસર, બસ થોડી વાર છે.
તારી કથા કહેવી તું ચાલુ રાખજે,
કંઇ બોલશે આ પથ્થર, બસ થોડી વાર છે
પહેલાં ઝઝૂમવા ડે એને વમળની સાથ,
વહેશે પછી નિરંતર, બસ થોડી વાર છે
ના કોઈના સદન ને જો ઝીણી આંખથી,
તારુંય થઈ જશે ઘર, બસ થોડી વાર છે
ભાવેશ ભટ્ટ