તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,
અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે.
ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ?
ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
તમારાં હૈયાના ગહન મહીં યે આવું વસતું :
‘દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું?’
પ્રહ્લલાદ પારેખ