ઓટ આવે તો અકળાય નહીં
એ સાગર છે કદી છલકાય નહીં
પ્રેમ પણ સાલો ઝાંઝર જેવો છે
છાનું કે છપનું કંઈ થાય નહીં.
એ જ તો છે સાચી લગન કે મંઝીલની
સાવ સામે હોય ને દેખાય નહીં.
નક્કી મન દુઃખ છે મોત ના મનમાં
દ્વાર ખુલ્લાં હોય ને ડોકાય નહીં !
અનરાધાર વચ્ચે મેઘ પણ
પથ્થરો પલળે કદી ભીંજાય નહીં
સુરા સાથે ના સંબંધો પૂરા થયાં…!
જો જે- અફવા છે ફેલાય નહીં.
કંઈક તો ખુબી હશે એ નામમાં
‘રૂદ્ન’ નહી તો આટલો પંકાય નહીં.
રૂદ્રદત્ત રાણા