પર્યાય કોણ છે? – લલિત ત્રિવેદી

Share it via

આ ઓમ નમઃ શિવાયનો પર્યાય કોણ છે?
મારા શરીરમાં આ લગાતાર કોણ છે?

પથરાયું છે આ સાંજમાં કોની જટાનું તેજ ?
આકાશમાં ઝબોળતો અવતાર કોણ છે ?

કોની ત્વચાની ભસ્મ ઊડે છે આ હોમમાં ?
અંજળને ગટગટાવીને પીનાર કોણ છે ?

ધ્યાનસ્થ થઇ ગયો છે હવે કોનો અંધકાર ?
તો રંગ રૂપ સ્પર્શ અહંકાર કોણ છે ?

આ કોણ ગુમ થયું છે ગુફાના પ્રકાશમાં ?
આલેક થઇ ગયેલો ચમત્કાર કોણ છે ?

****************************************

આ ઓમ નમઃ શિવાયનો અધ્યાય છે, પ્રિયે!
આ ટેરવાં જ આપણો પર્યાય છે, પ્રિયે!

અંત:કરણમાં એવો પવન વાય છે, પ્રિયે!
જુઓ ત્વચા ધજા સમી લહેરાય પ્રિયે !

અવ ટેરવાંમાં એવું કશુંક થાય છે, પ્રિયે !
કે ટેરવાંમાં ટેરવાં પડઘાય પ્રિયે !

મંદિર ખૂલે છે એમ ખૂલે છે આ મન હવે
આંખો મીંચું કે શંખનાદ થાય છે પ્રિયે!

એકસો ને આઠ વાર કદી ક્યાં રટાય છે
વચ્ચે જ ક્યાંક ધ્યાન લાગી જાય છે, પ્રિયે!

જુઓ મળી છે કેવી સમાધિની અવસ્થા
આકાશ ટેરવામાં ઉલ્લંઘાય છે, પ્રિયે !

ડો. લલિત ત્રિવેદી

Leave a Comment

error: Content is protected !!