યાર, હદ થૈ ગૈ હવે તો કૈં સુધર,
થાય છે પથ્થરને પણ થોડી અસર.
ગામ આખાને પડી ગૈ છે ખબર,
એક ખાલી તું જ છે બસ બે-ખબર.
એ જ હું જોયા કરું છું ક્યારનો,
હું અહીં છું અને ક્યાં છે તારી નજર.
તું ઊંચા કોલર કરીને ફરી નહીં,
કોઈનું અટક્યું નથી કોઈ વગર.
વાત મારી જો મગજમાં ઊતરે,
તો કરી દેજે શરૂ પાછી સફર.
બાગમાં ખીલી રહ્યા છે ફૂલો અને,
રક્તમાં દોડી રહી છે પાનખર.
તું ‘ હરીશ ‘ મન પર કશું ટેન્શન ન લે,
ખેલ છે કરવું જગત ઈધર – ઉધર.
હરીશ ધોબી