માનવીએ માનવીની શાન સાથે જીવવાનું ,
ખૂબ અઘરું છે અહીં સન્માન સાથે જીવવાનું
જો મળે સારો પડોસી તો ગણો સદભાગ્ય એને,
આપણે તો ચીન પાકિસ્તાન સાથે જીવવાનું.
પાર્થ પાસે દ્રૌપદી ને કૃષ્ણ, કુંતી, રાજ આખું,
કર્ણને તો આજીવન બસ દાન સાથે જીવવાનું
એક આખો વર્ગ છે અજ્ઞાનના અંધાર વચ્ચે,
જૂજ લોકોને ગમે છે જ્ઞાન સાથે જીવવાનું.
કાળની ચિંતા ટળી ને આ ઘળી રળિયામણી હો
જિંદગીભર એ રીતે સંધાન સાથે જીવવાનું.
મારવાનું તારવાનું ફક્ત એના હાથમાં છે,
આપણે તો નિત્ય એના ધ્યાન સાથે જીવવાનું.
જન્મોજન્મની કથા ‘નાદાન’ છે કોને સ્મરણમાં?
આપણે કેવળ અનુસંધાન સાથે જીવવાનું.
દિનેશ ડોંગરે ‘નાદાન’