તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો…

Share it via

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારી તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેક એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી,
આપણાથી તોય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછયા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભુલાતો નથી ?

પાનથી ઝાકળ સવારે લઈ ગયો સૂરજ છતાં,
સાંજે પાછો છાંયડો વીણીને શરમાતો નથી.

ભીતરી આખરી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

કવિ શ્રી ગૌરાંગ ઠાકર

2 thoughts on “તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો…”

Leave a Reply to Akshay bhatt Cancel reply

error: Content is protected !!