મને માણસાઈથી મ્હેકવા, લ્યો સરળ ઉપાય મળી ગયો,
હું પવનને પૂછી લઉં જરા, તું સુગંધ કઇ રીતે થઈ ગયો.
તને હાથપગની છે ડાળીઓ, તને લાગણીનાં છે પાંદડાં,
તું પડાવ કોઈનો થઈ શકે, મને છાંયડો એ કહી ગયો.
નથી મંદિરોની તું પ્રાર્થના, નથી મસ્જિદોની નમાજ તું,
કદી માવડીનાં તું આંસુમાં, કદી સ્મિત બાળનું થઈ ગયો.
તું સમયની જીત ને હાર છે, અહીં રાત એની સવાર છે,
અહીં શર્ત ખેલની એ જ છે જે રમી ગયો તે જીતી ગયો.
આ હવાના હાથમાં શું હતું, મને કોઈ ડાળ કહે નહીં,
એ લજામણીને અડી રહી, હું તો દૂર દૂર રહી ગયો.
અહીં મનના દ્વારે ઊભા રહી, મેં તપાસી લીધા વિચારને,
પછી ભીતરી આ પ્રવાસમાં, મને તાલબદ્ધ હું લઈ ગયો.
ગૌરાંગ ઠાકર