બાવન ગજની ધજા તમારે બાવન ગજની ધજા
અમે ઉઘાડે અંગ, અમોને કયા જનમની સજા
બાવન ગજની ધજા…
અન્નકૂટના થાળ તમારે કાયમ છપ્પનભોગ
એક ટંક ટુકડાને ઝંખે, અહીંયા એ સંજોગ
દઈ કરમની કઠણાઈ, તું કરે મોજ ને મજા
બાવન ગજની ધજા…
આરસના મંદિરમાં બેસી ક્યાંથી એ સમજાય?
જરા પગથિયે આવી બેસો, તો જ અનુભવ થાય
તને વધારે કહેવાના પણ નથી અમારા ગજા
બાવન ગજની ધજા…
પ્રભુ! તમે છો અંતર્યામી તોય નથી દેખાતું?
જોઈ અમારી હાલત તમને કેમ નથી કંઈ થાતું?
તું મારો ભગવાન નથી, જા તને દઉં છું રજા
બાવન ગજની ધજા…
– મનસુખ નારિયા