તારાં ચુંબનોનાં અગણિત સ્પંદનો
સંધ્યાના રંગમાં ફેલાય
એ પહેલાં તું આવશે !
રાતરાણીના પ્રથમ સ્પર્શનો ઉન્માદ
ફૂલ બનીને આંખ ખોલે
એ પહેલા તું આવશે !
તારાં સ્વપ્નોનાં આલિંગન
શિથિલ બને
એ પહેલા તું આવશે !
પ્રતિક્ષાની ક્ષણેક્ષણ
દરિયો બનીને છલકાય
એ પહેલાં તું આવશે !
જો,
આ સાંજની મહેકતી જૂઈ તારાં આગમનની
વાત લઈ આવી છે.
અને,
ડૂબતાં સૂર્યની રક્તિમાઓ ફરી એક વાર
સજાવ્યો છે મારા દેહને,
તું આવશે !!
નલિની માડગાંવકર
![](https://www.kavyadhara.in/wp-content/uploads/2019/10/આંગણે-વરસાદ-તો-થંભી-ગયો-છે-ક્યારનો-પાંખમાં-ઝરમર-લઈ-ઊડી-ગયું-પંખી-હવે..png)