તાળાં દિલનાં એમ ન ખૂલે ખટાક દઈને,
કળ જાણો તો ખૂલે પળમાં પટાક દઈને !
બહુ બહુ તો બે ગોબા પડશે, સબંધો છે,
પછડાશે પણ તૂટશે નહીં એ તડાક દઈને !
ખંજર જેવું હોય કશું તો સમજી શકીએ,
અવગણના ખૂંચી’તી દિલમાં ખચાક દઈને !
હળવા હોવું પૂર્વશરત છે, ચગવા માટે,
ગર્વ ચગ્યો’તો, પટકાયો તો ધબાક દઈને !
ગઇકાલે આવ્યો તો, આજે નહીં આવું હું,
દ્વાર તમે વાસ્યું’તું કાલે ધડાક દઈને !
બે આંખોમાં થીજેલા બે આંસુ છે એ,
બોર નથી પાકાં કે પડશે ટપાક દઈને !
ચીસ અમારી કારણવશ પડઘાઈ નહોતી,
ચોંટી ગઈ’તી સામા દિલમાં છપાક દઈને !
મારાથી તો કાગળ સુધ્ધાં નથી કપાતો,
તેં કાપ્યો’તો નાતો કેવો કટાક દઈને ?
ખખડાવીને થાક્યો તોય ખૂલ્યું ના અંતે
મનવા ચાલો, દ્વાર ખૂલે જ્યાં ફટાક દઈને !
કિશોર જીકાદરા