તમે પોતે જ પોતાની રીતે પોતાને જાણો છો,
કરીને બંધ આંખોને તમે તમને નિહાળો છો.
કરો છો તર્ક એકાએક સાંકળ કોણ ખખડાવે?
સિફતપૂર્વક પછીથી બંધ દરવાજો ઉઘાડો છો,
તમે અસ્તિત્વને ઝાકળની વચ્ચે કૈ નથી કહેતાં,
પણે સૂકું તણખલું એક બસ ચીંધી બતાવો છો.
ખબર પડતી નથી કોઈ જ સમજણની કહો અમને,
તમે મુસ્કાનને બદલે અરીસો ભેટ આપો છો.
તમે શિલ્પી સ્વયંને ક્યાંય કંડારી નથી શકતા,
તમે ઝરણાં રૂપે પ્રત્યેક પથ્થરના અવાજો છો.
જયંત કોરડિયા