તું માને કે નહીં માને ઊંઘ વેચીને ઉજાગરાને ખરીદવાને હું નીકળ્યો છું
-હું તને ચાહવા નીકળ્યો છું.
ચાહવું એટલે ચાહવું એટલે ચાહવું એટલે ચાહવું
ઊગવું, ડૂબવું, આથમવું ને રણરેતીથી નાહવું
કોઈપણ બ્હાને જીવતેજીવત મરી જવાને હું નીકળ્યો છું.
-હું તને ચાહવા નીકળ્યો છું.
શરીર એટલે શરીરમાં રહીને શરીરની બ્હાર નીકળી જાવું
ખારાઉસ સમદરમાં સાકર-પૂતળી થઈને પીગળી જાવું
કોઈ નહીં પૂછો શાને મારુ નામ ભૂંસવાને નીકળ્યો છું.
રથિન શાહ
છત્રીના વર્તુળની બ્હાર
હું તો તારી તે છત્રી ઓઢીને ઊભી
તોયે બીજાના વરસાદથી ભીંજાઇ રહી, હાશ !
હું તો તારા તે પડખામાં પોઢી છતાંય
એક સપનામાં આંખ આ અંજાઈ રહી, હાશ !
તારી તે છત્રીના વર્તુળ બ્હાર
એક લીલુંછમ મોટું મેદાન
તારી તે છત્રીના સળિયાઓ વાગે
મને કનડે ને કરતા હેરાન
તારા તે બાગમાં રોપાઈ હું છતાં
હું તો કોઇના તે જળથી સિંચાઇ રહી, હાશ !
તારા તે ઘરની દીવાલોને ઓળંગી
ખુલ્લામાં રુમઝુમ નાચું
પરબીડિયા જેવુ મારું આ નામ
એમાં વ્હાલમનો કાગળ હું વાંચું.
મને તારું અજવાળું હવે અબખે પડ્યું
હું તો કોઈના અંધારે અંજાઈ રહી, હાશ !
રથિન શાહ