દાદાજીને મન ઊડી ચરકલડી રે
કાંઈ બાપુ એ વળાવી જાડી જાન,
માતાજી ને મન ધીડી પરદેશ દીધી
આજે ડાળીએ વળાવ્યું લીલું પાન…
આમ તો પાંચીકો સ્હેજ હાથથી ઉલાળ્યો’તો
ને વળત માં ઝીલ્યો રે મીંઢોળ,
છબતી’તી હમણાં જે પગ બોળી નદીએ
પીઠીનો આજ કરવો અંઘોળ,
શરણાઈ – ઢોલ ભેળી, હીબકાતી હાલી શેરી
આંખનું રતન દેવા દાન ….
ગાર્યુમા ધબકતી ઝણેરી ફૂલ પગલી
ને ઓસરીમાં ઓછેરી સુવાસ,
મૂળસોતી વેલ એક ઉપડી રોપવા બીજ,
માટીમાં મૂકીને એક ઊંડા ચાસ,
ધ્રૂજતા દીવાને ટેકે મોડિયાના ભારે હેઠે
પૈમાં સિંચાણા સાન ભાન .
હરિશ્ચંદ્ર જોશી