ગોફણ ગોળે આગ વછૂટે, કેર વરસતો કાળો,
તાંડવ ખેલે સૂરજ જાણે, જોગી ઝાળ જટાળો.
કલરવને તો સૂનમૂનતાનો ગયો આભડી એરુ,
તરસ બ્હાવરી હવા શોધતી જળનું ક્યાંય પગેરું ?
ધીંગી ધરતી તપતી જાણે ધગધગતો ઢેખાળો,
તાંડવ ખેલે સૂરજ જાણે જોગી ઝાળ જટાળો.
પંડ ઠેઠે પડછાયો ઘાલી ઊભા નીમાણાં ઝાડ,
મુઠ્ઠી છાંયો વેરે તોયે વહાલો લાગ તાડ.
સઘળું સુક્કું જોઇ લહેરથી મહોર્યો છે ગરમાળો.
તાંડવ ખેલે સૂરજ જાણે, જોગી ઝાળ જટાળો.
ઊભે વગડે હમચી ખૂંદે તડકાના તોખાર,
સ્તબ્ધ અવાચક સચરાચર પર સન્નાટાનો ભાર,
ઘાંઘો થઇને પવન દોડતો થઇને ડમ્મરીયાળો
તાંડવ ખેલે સૂરજ જાણે જોગી ઝાળ જટાળો.
– કિશોર બારોટ