મારો ખ્યાલ છે કે હવે યુદ્ધ થઇ શકે,
અથવા જગતના લોક બધાં બુદ્ધ થઇ શકે.
કહેવાનો ભાવ ત્યારે અણિશુદ્ધ થઇ શકે ,
કંઈ ઝંખના સિવાય તું સમૃદ્ધ થઇ શકે.
રથના તમામ ચક્ર મનોરથ બની જશે
પોતાનું મન લગામની વિરુદ્ધ થઇ શકે.
પ્રત્યેક જીવ અશ્વનો અંશાવતાર છે,
પ્રત્યેક અશ્વ એક વખત વૃદ્ધ થઇ શકે.
ફાડી ત્વચાનું વસ્ત્ર અને નીકળી પડો!
ખુદનો પહેરવેશ છે અવરુદ્ધ થઇ શકે.
– ભરત ભટ્ટ ‘તરલ’ (મીણના માર્ગ પર)
21જૂન 1963ના રોજ જન્મેલા આ ગઝલકાર વ્યવસાયે પ્રા.શાળામાં આચાર્ય પદે છે.ભાવનગર જિલ્લાના ટાણા ગામે વસે છે.
1983થી ગઝલ લેખનનો પ્રારંભ કરનાર કવિ /ગઝલકાર ભરત ભટ્ટ ના બે ગઝલસંગ્રહો પ્રકાશિત થયા છે.
(1) મીણના માર્ગ પર (1997)
બીજી આવૃત્તિ (2016)
(2)એક પંડિતની પોથી (2016)
તેમની ચિંતનાત્મક ગઝલોએ ગુજરાતી ગઝલ સાહિત્યમાં પોતાનું સ્થાન આપોઆપ અંકિત કર્યું છે.
મીણના માર્ગ પર
ગઝલ સંગ્રહ સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત (1998)
ગિરા ગૂર્જરી એવોર્ડ (ગુજરાત-મહારાષ્ટ્રના સંયુક્ત ઉપક્રમે)
Very nice poem
Excellent excellent