ક્યારેક એમ થાય છે
કે આકાશમાં પથરાયેલી સાંજની છાયામાં
તારા ભૂતકાળની હરિયાળીનો
એકાદ પરિચય તો આપ
તારા આકાશમાં
ક્યારેક તો મેધધનુષનું સરોવર રચાયું હશે,
ક્યારેક તો આનંદની અવધી
અશબ્દ થઈને અવતરી હશે –
તો મુલાયમ મૌનની એ રેશમી રાતને
ક્યારેક તો
મારી આંગળીઓમાં અંગૂઠીની જેમ સરકાવી દે.
નિદ્રાની કેડીએ આવતાં સ્વપ્નની જેમ
સાંજની પાછળ પાછળ અંધકાર આવે છે
અને આ અંધકારમાં
ગુલમહોરના અસિતત્વમાં લપાયેલી વસંતને
મારે તો નિર્વસ્ત્ર જોવી છે.
જગદીશ જોશી