હાથમાં લઈ તીર ને હું માછલી તાકયા કરું,
ધારણાની ગોળ ફરતી આંખને વાંચ્યા કરું.
શક્યતાના ત્રાજવે લટક્યા કરું છું ત્યારથી,
હું જ મારા પગ વિશે ની સ્થિરતા માપ્યા કરું.
જો સમયની રેત પણ જાણે બની છે સ્થિર ને-
રોજ પારેવા સમું આ સ્તંભ પર હાંફયા કરું.
ફૂંક મારું ત્યાં સદાયે પાથરું અજવાસ પણ,
કેમ કુવામાં ભર્યા અંધારને કાપ્યા કરુ?
વ્યસ્ત છે મારી નજર અર્જુનપણાની શોધમાં,
એટલે ઝાકળ સમા અસ્તિત્વ ને પાળ્યા કરું.
પ્રફુલ્લા વોરા
(શબ્દસૃષ્ટિ : ઓક્ટોબર : 2019 : 23 માંથી સાભાર)