વર્ષો પછીનું શ્હેર, ને લાગ્યું – તમે હશો,
ભૂલો પડું છું ઘેર, ને લાગ્યું – તમે હશો.
ચ્હેરો જુઓ તો આમ ક્યાં બદલાયું છે કશું?
થોડો ઘણો છે ફેર, ને લાગ્યું – તમે હશો.
કેવી હશે દીવાનગી, રસ્તા સુધી ગયા,
આવી પવનની લ્હેર, ને લાગ્યું – તમે હશો.
ભૂલી ગયો’તો સાવ, કોઈ ચાહતું હશે,
ટહુકા મળે ચોમેર, ને લાગ્યું – તમે હશો.
ને સાંભળે તો કોણ મારી વાત સાંભળે?
પડઘો બને ખંડેર, ને લાગ્યું – તમે હશો.
*દિનેશ દેસાઈ*
(જન્મ તા.૧૨ ઓગસ્ટ, ૧૯૬૮, અમદાવાદ)
૧૯૮૯થી ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહ્યા છે.
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જુદા જુદા સામયિકોમાં ૬૫૦થી વધુ પુસ્તક વિશે તેઓએ લખેલા અવલોકન-વિવેચનના પુસ્તક પરિચયના લેખો પ્રગટ થયેલા છે.
આ વિવેચનલેખોના ૩ પુસ્તક પ્રગટ થયા છે. જે ગુજરાતી સાહિત્યના M.A.- M.Phil કોર્સમાં રેફરન્સ બુક તરીકે આવકાર પામ્યા છે.
ગુજરાતી પત્રકારત્વમાં તેમણે જુદા જુદા ૧૦૦થી વધુ વિષય ઉપર લખેલા ૫,૫૦૦થી વધુ લેખ પ્રગટ થયા છે.
૧૯૮૯માં સમભાવ,
૧૯૯૦થી ૧૯૯૫ ગુજરાત સમાચાર,
૧૯૯૫-૯૬ મુંબઈ સમાચાર,
૧૯૯૬થી ૨૦૦૫ સુધી જનસત્તા(ઈન્ડિયન એક્સપ્રેસ ગૃપ),
૨૦૦૬થી ૨૦૦૮ સંદેશ,
૨૦૦૮થી ૨૦૦૯માં Tv-9( નવી દિલ્હી-બ્યુરો ચીફ)
અને ૨૦૧૦માં “અભિયાન”ના ડેપ્યુટી એડિટર તરીકે પ્રદાન
બાદ ૨૦૧૧માં ગુજરાત સરકારમાં જોડાયા.
હાલ તેઓ “ગાંધીનગર સમાચાર”માં દર બુધવારે અને “મુંબઈ સમાચાર”ની રવિવારની પૂર્તિમાં કતારલેખન કરી રહ્યા છે.
સને ૨૦૦૧થી ૨૦૧૪ દરમિયાન હીરામણિ, ભવન્સ, યુનિ. NIMCJ સહિત સંસ્થાઓમાં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે પણ તેમનું પ્રદાન છે.
પત્રકારત્વની ૨૭ વર્ષની કારકિર્દીમાં તેઓએ સંખ્યાબંધ નવોદીત પત્રકારોને તાલીમ આપીને ઘડતર પણ કર્યું છે.
પત્રકારત્વના તેમના ૩ પુસ્તક પત્રકારત્વ કોર્સમાં રેફરન્સ બુક તરીકે આવકાર પામ્યા છે.
પર્યાવરણ વિષયક એક પુસ્તક M.Sc. in Environment Science કોર્સમાં રેફરન્સ બુક તરીકે આવકાર પામ્યું છે.
(નામ- “પ્રદુષણથી બચીએ, પર્યાવરણને ઓળખીએ” ~ પાનાં – 400, કિંમત – રૂપિયા 250/-)
ગ્રાહક સુરક્ષા વિષયક તેમનું એક પુસ્તક L.L.B – L.L.M કોર્સમાં રેફરન્સ બુક તરીકે આવકાર પામ્યું છે.(નામ- “ગ્રાહક સુરક્ષા, ગ્રાહકના હાથમાં”)
ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં મળીને તેમના કુલ 56 પુસ્તક પ્રગટ થયા છે.
જેમાં કાવ્ય, ગીત- ગઝલ સંગ્રહો, નવલકથા, નવલિકા, વિવેચન, જીવનચરિત્ર, કાયદો, પર્યાવરણ, લલિતનિબંધ, ગુજરાતલક્ષી, માહિતીલક્ષી વગેરે વિવિધ વિષય ઉપરના પુસ્તકોનો સમાવેશ થાય છે.