ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.
નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.
બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.
વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ
Very nice
Wah……superb….
ખૂબ ખૂબ સુંદર
ટૂંક માં કહીયે તો હ્રદયસ્પર્શી… .. .
લાજવાબ.. .
Khub saras
Great