કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.
બોરમાં તે શું ? બોલતા જ્ઞાની,
આંખો મીંચી બેસતા ધ્યાની,
તોરીલા પણ કોઈ તોફાની
ડાળને વાળી, ડંખને ગાળી
ઝુકાવે ઝકઝોર.
પીળચટાં ને તૂરમતૂરાં,
કોઈ ચાખી લે ખટમધુરાં,
લાલ ટબા તો પારેખે પૂરા,
વીણી વીણી આપતાં હોંશે
ચખણી ચારેકોર.
જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી,
ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી,
અહીં અમારે ધરતી લાલી
ક્ષણ પછી ક્ષણ ખરતી આવે
ખેલતાં આઠે પ્હોર.
કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર. – મકરંદ દવે
તરણાં(૧૯૫૧),
જયભેરી (૧૯૫૨),
ગોરજ(૧૯૫૭),
સૂરજમુખી(૧૯૬૧),
સંજ્ઞા(૧૯૬૪),
સંગતિ(૧૯૬૮)
પારિતોષિક : રણજીતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૯)