કોરાકટ્ટ સાડલાની હૂંફ – જયેશ ભોગાયતા

Share it via

તને
મેં ચિતા પર મૂકી હળવાશથી,
બધા ઘોંઘાટ કર્યો કે
આખા શરીરે ખૂબ ઘી ચોપડી દો
શરીર ઝડપથી બળશે !
સૌ પ્રથમ
મેં તારા કપાળ પર આંગળીઓ ફેરવી ઘીવાળી,
તું કેવો સુંદર મજાનો ગોળ લાલ ચાંદલો
ઓઢીને ઘરમાં ફરતી,
ખૂણામાં સંતાતું ફરતું અંધારું પણ લાલ લાલ !
પછી તારા પગને તળિયે
તારી ખરબચડી યાત્રાનાં વરસો પર મને સ્પર્શનો લેપ કરી
તારો થાક ઉતારવાની ઝંખના હતી,
પણ તારા પગ ક્યારેય અટકયા નહિ.
હવે મારી ઘીવાળી આંગળીઓને જોયા કરું
તું જ કહે મારા હાથ ક્યાં લૂછું?
મારી નજર પડી તારા કોરકટ્ટ સાડલા પર,
મા,
ને લૂછી નાખી આંગળીઓ !
શેરીમાંથી રમીને આવતોક
તને વળગી પડતો, ઓઢી લેતો
તારો મેલોઘેલો સાડલો
ઘરકામની સુગંધથી સુંવાળો !
મને બહાર આવવાની જરાપણ મરજી નહિ
પણ
આજે તારા કોરકટ્ટ સાડલાની ધાર વાગી,
મને સાવ અજાણ્યો !
ઘીના પ્રતાપે
કઠોર જ્વાળાઓ ફૂંકાવા લાગી,
કોરકટ્ટ સાડલાની હૂંફમાં તને સુખ પામતી જોયા કરું.

જયેશ ભોગાયતા

Leave a Comment

error: Content is protected !!