હમણાં નહીં તો સૈકા પછી કોઈ આવશે;
આખી મનુષ્યજાત સુધી કોઈ આવશે.
અવતાર સ્વાવલંબી હવે ક્યાં રહી શક્યા ?
પોતે નહીં તો એના વતી કોઈ આવશે !
ઊડે છે આમતેમ તણખલાંઓ નીડનાં;
પંખીની ચાંચે થઈને સળી કોઈ આવશે.
ચિંતામણી ઝરૂખે ઊભી હોય કે નહીં;
વિરહાગ્નિની તરીને નદી કોઈ આવશે.
પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં;
સંભવ છે રાજપાટ ત્યજી કોઈ આવશે.
ઇચ્છા, મેં તારા નામ પર પાણી મૂકી દીધું;
લાગે છે, તોય અશ્રુ બની કોઈ આવશે !
શૈશવની બાળવારતા શોધી રહી મને;
સોનેરી પાંખવાળી પરી કોઈ આવશે ?
-ભગવતીકુમાર શર્મા
(આ એપ્લીકેશન પર દરરોજ ઓછામાં ઓછી 2 રચનાઓ પોસ્ટ કરવામાં આવશે. )