ખિસકોલીની ગલીપચીથી જાગી ગ્યું છે ઝાડ
કલરવ નીચે નહાતું લઈને પાંદડાની આડ
કોશ નીકળ્યો બા’રો ધડધડ ધોરિયાની નાડ
ખેતર આંખો ખોલે ખોલી શીંગોની કૈ ફાળ
ચાડિયો તો ધ્રૂજે લાગી ઠંડી હાડોહાડ
અંધારું તો પેઠું જોઈ જંગલ જેવી વાડ
વાદળ, સૂરજ – કોણ કરી રહ્યું છે લાડ
ઝરણાંની ઝાંઝર પ્હેરી કથક કરે છે પ્હાડ
પવન છોકરો નટખટ ખેંચે ધુમ્મસનો ઓછાડ
ખીણ તોય ના જાગે જાણે ઘોરતો ભરવાડ
હર્ષદ ચંદારાણા