તારી સૌરભ દૂર ક્યાંક પ્રસરી , મ્હેકી ઊઠ્યો હું અહીં,
ત્યાં તારું લયબદ્ધ નર્તન અને ઝૂમી ઊઠ્યો હું અહીં.
તારા કોમળ કંઠમાં નિવસતી ગાતી રહી કોકિલા-
ને એ ગીત તણી ગ્રહી મધુરતા ગુંજી ઊઠયો હું અહીં.
તારી પાછળ આવતી ઉપવને ડોલી વસંતો તણી,
ઝૂલી તું જરી આમ્રના તરુ પરે મ્હોરી ઊઠયો હું અહીં.
કાળો ભમ્મર કેશ- સ્પર્શ લઈને ઠંડી હવા આવતી,
હૈયે ઠંડક રેશમી અનુભવી લ્હેરી ઊઠયો હું અહીં.
મારી પાસે ભલે કદી ન ફરકી તોયે સદા પાસ તું,
પામીને તવ પ્રેરણા કવનમાં કોળી ઊઠયો હું અહીં.