મને માણવાની આવે મજા : કે એકરાર કરતો નથી.
જેમાં કાલનો કોઈ હોય ભાર એવો પ્યાર કરતો નથી.
આ રાતના અંધારાના સમ :
વફાને હું જાણતો નથી.
હું તો ઊજવું છુ મારી મોસમ :
કે પ્રેમને હું નાણતો નથી.
હું તો પળપળમાં ગળાડૂબ જીવું કે ઇંતેજાર કરતો નથી
જેમાં કાલનો કોઈ હોય ભાર એવો પ્યાર કરતો નથી.
મને ફૂલમાંયે રસ : મને ફોરમમાં રસ :
પણ હું થોભુ નહીં ને બસ ચાલ્યા કરું
કોઈનેયે વળગું નહીં : ક્યાંય કદી સળગું નહીં :
હું તો મારી મનમોજથી મ્હાલ્યા કરું.
હું તો બારીઓને ખુલ્લી રાખું ને બંધ દ્વાર કરતો નથી.
જેમાં કાલનો કોઈ હોય ભાર એવો પ્યાર કરતો નથી.
હું તો પવન છુ : પંખીનો માળો નહી.
મારા મનમાં શિયાળો કે ઉનાળો નહીં.
હું તો જિંદગીને જીવભરી ચાહું કે ધિક્કાર કરતો નથી.
જેમાં કાલનો કોઈ હોય ભાર એવો પ્યાર કરતો નથી.
સુરેશ દલાલ