ખબર તો પડશે – જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને,
ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને !
ભલા આ બોજ મારો ઊંચકે કોઈ બીજા ક્યાંથી?
ફરું છું હું જ ખુદ માથે બીજાનાં દર્દ-ગમ લઈને.
વિધાતા, હાથમાં મારા આ રેખા કે તિરાડો છે?
જીવું છે કેમ દુનિયામાં હું ફૂટેલાં કરમ લઈને?
અજાણી વાતે એક કરતાં ભલા બે – એમ સમજીને,
હું નીકળ્યો છું ખુદાની શોધમાં સાથે સનમ લઈને.
હસીને આવકાર્યો તેં, હસીને તેં વિદાય આપી;
હું આવ્યો’ તો ભરમ લઈને, હું જાઉં છું ભરમ લઈને.
મળે સાચો કોઈ દાતાર તો એને જ આપી દઉં,
હું ભટકું કયા સુધી આ માગનારની શરમ લઈને?
જઈશ હું સ્વર્ગમાં તો સૌ જીવનોને એ જ કહેવાનો,
કે દુનિયામાં ન જશો કોઈ માનવનો જનમ લઈને,
કલમને વેચી દેવાનો ય આવે છે વખત ‘બેફામ’,
બહુ કપરું છે જીવન જીવવું કરમાં કલમ લઈને.