અરધી રાતે
સૂના ઢોલિયે ભરત ભરેલા
મોર અચિંતા એકસામટા સીમ ભરીને ટહુકે….
ઘરના ખૂણે પડેલ હુક્કે
સમય ફરી ઝગમગતો
તાજી ગડાકુની કૈં વાસ પ્રસરતી વહે રક્તમાં
અંધકારની હૂંફ ભરેલી ફૂલ-શય્યામાં
પર્ણ સમો ફરફરતો તરતો ચ્હેરો
ચ્હેરો પીવા મન ભરીને આખું રે નભ ઝૂકે
રે કૈં ઝૂકે….
પ્રાણ ઘાસની તાજીતમ લીલાશે
ભાન ભૂલી આળોટે
ગલગોટા શો શ્વાસ ભીતરથી ફોરે
મ્હોરે લજ્જાની મંજરીઓ
મહક મહકતી મંજરીઓની વચ્ચે બેસી
ધીમું ધીમું મૃદુ ટહુકતાં કોકિલ-કંઠી !
આજ તમે તો
અજાણ એવી કોક ઘટામાં જઈને બેઠાં
ને અહીં આજે
અરધી રાતે જુઓ ઢોલિયે
મોર અચિંતા એકસામટા આભ ભરીને ગ્હેકે….ગ્હેકે.
-મનોજ ખંડેરિયા