તીખી તમતમતી ને વિંધી નાખે એવી ફાંસ થઈને,
લવકે છે સૂનકાર લગાતાર અણિયાળી કોઈ સાંજ થઈને.
એમ સપાટી પર ધબકે છે ભીનાં ભીનાં તારાં સ્મરણો,
કૂદે પરપોટાઓ જાણે જળમાં ઝીણી ગાંઠ થઈને.
દર્પણમાં દેખાતાં દૃશ્યો સાવ જુદાં છે પ્હેલાં કરતાં,
ક્યારે આવી ગયાં અચાનક તમે અમારી આંખ થઈને?
કેમ કરી સંતાડી રાખું દુનિયાની નજરુંથી એને?
રુંવે રુંવે ફૂટી નીકળ્યો સ્પર્શ તમારો વાંસ થઈને.
કાગળના કૂવામાં નાખો કે પૂરી દો પરબીડિયે સૈ,
આપ કહો તે કર્યે જવાનું મૂંગીમંતર ટાંક થઈને.
– જયંત ડાંગોદરા