બહુ જ અંગત વાત આ દેખાય તેવી નથી
એક જણની રાત આ દેખાય છે તેવી નથી.
છેવટે તો હાથમાં ગજરો સુકાતો હોય છે
સાંજની શરૂઆત આ દેખાય છે તેવી નથી
ઊખડે છે પડ કદી તો અશ્મિઓ દેખાય છે
ટેરવે રળિયાત આ દેખાય છે તેવી નથી.
છે બહુ લાવણ્યમય શરૂઆત કોઈ ભેદની
ઓસની રજૂઆત આ દેખાય છે તેવી નથી.
સાંજ પડતાં કેમ એ પાછો ફરે છે ઘર તરફ?
કેમ એની વાત આ દેખાય છે તેવી નથી?
ઊંડાં ભમ્મર પાણીમાં મોતી જ ચળકે તે પછી
ધ્યાન ધર કે જાત આ દેખાય તેવી નથી
કેટલાં સપનાં અને ઘટનાઓનો ઇતિહાસ છે!
આપણી નિરાંત આ દેખાય છે તેવી નથી
સુસવાટા હો કવનના કે ખૂણાની જ્યોત હો
ક્યાં ખૂલે છે રાત આ દેખાય છે તેવી નથી.
(‘પર્યંત’ કાવ્યસંગ્રહમાંથી)
ડો. લલિત ત્રિવેદી
અલગ (અન્યો સાથે) (૧૯૮૨),
પર્યંત (૧૯૯૦),
અંદર બહાર એકાકાર (૨૦૦૮),
બીજી બાજુ હજી મેં જોઈ નથી (૨૦૧૩)
‘કવિલોક’ નું ‘હિમાંશુ બાબુલ’ પારિતોષિક (૧૯૯૯),
‘પરબ’ શ્રેષ્ઠ કાવ્ય – કવિશ્રી ન્હાનાલાલ અને શ્રી રા.વિ.પાઠક પારિતોષિક (૨૦૦૪),
ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (૨૦૦૮),
“સમર્પણ” સન્માન, નવનીત-સમર્પણ, મુંબઈ, ૨૦૧૩,
“મનહરલાલ ચોકસી પારિતોષિક”, નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમ, સુરત, ૨૦૧૫.