એક ફૂલ ચૂંટવાના હું કિસ્સામાં ડૂબ્યો
હાથે કરી હનીફ સમસ્યામાં ડૂબ્યો
શોધી શકી ન કેમે કરી એ નજર મને
હું થોકબંધ લોકોના ટોળામાં ડૂબ્યો
દોડ્યા કર્યું સતત સળગતા સૂર્યની તળે
પીગળી ગયા ચરણ અને પગલામાં ડૂબ્યો
પુષ્યો જ મારા રોમ રોમ પાંગરી ઊઠ્યાં
કંઇ એ રીતે વસંતના સપનામાં ડૂબ્યો
શબ્દોનો સાથ લઈને હું પહોંચ્યો કથા સુધી
ઘટનાનું થયું લોપ ને ઘટનામાં ડૂબ્યો
ચહેરા જ માત્ર ચહેરા હતા સૌ તરફ હે દોસ્ત !
છટકી શક્યો ન તેથી અરીસામાં ડૂબ્યો
પામે શક્યો ન તોય હું ઊંચાઈને હનીફ
ખોદ્યા હતાં જે મેં જ એ ખાડામાં ડૂબ્યો
તરવાનું તો બહાનું હતું આમ તો હનીફ
સૂકકી ડિબાંગ આંખના દરિયામાં ડૂબ્યો
હનીફ સાહિલ