સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે-
પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત;
પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.
જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે;
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
-અનિલ જોશી
(કવિશ્રી અનિલ જોશીના ચિત્ર માટે શ્રી પ્રજાપતિ શિલ્પી બુરેઠાનો આભાર)
1 thought on “કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે – અનિલ જોશી”