આવી શકો – કિશોર જિકાદરા

Share it via

અબઘડી આવી શકો વા ફુરસદે આવી શકો,
લાગણીનો છોડ છે, બન્ને ઢબે વાવી શકો.

આવશે, એનું જ ઘર છે, એ સ્વયં રસ્તો કરી,
બારણાને કેમ ઠાલું રોજ અટકાવી શકો ?

રાખવાની બે જ જગા છે, શ્વાસમાં રાખી શકો,
બોજ લાગે તો સ્મરણ ભીંતેય લટકાવી શકો.

બાતમી પાકી મળે તો માર્ગ વચ્ચે આંતરી,
કાન પકડીને પવન, ઘરમાં તમે લાવી શકો.

રાતવાસો થૈ શકે એવાંય સ્થાનો છે ઘણાં,
વાત આ, પાગલ હવાને કેમ સમજાવી શકો?

સાદ પાડી સ્વપ્નને બોલાવતાં જો આવડે,
રાત લાંબી પોષની પણ કૈંક ટૂંકાવી શકો.

ખૂબ આજીજી છતાં જો ના જ એ રોકાય તો,
આણ સૂરજની દઈને, રાત થંભાવી શકો.

એક-બે કરતાં વ્યથાને ચૌદ વરસો થૈ ગયાં,
કારણો વનવાસનાં ક્યારેક બતલાવી શકો.

કિશોર જિકાદરા

https://youtu.be/RYrcxmX0-z0

Leave a Comment

error: Content is protected !!